વિનોદભાઈ દલાલ નો જન્મ ૨૯ ઓક્ટોબર, ૧૯૨૦ ના રોજ અમદાવાદના શ્રી નંદલાલ અને શ્રીમતી ચંચળબેન દલાલ જેવા ધાર્મિક ગુજરાતી જૈન દંપતીના ત્યાં થયો હતો. તેમનો પરિવાર ૧૯૨૭ માં દિલ્હી આવી ગયો અને ત્યાં તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ પૂરું કર્યું. ૧૯૪૩ માં, તે સમયે ઉચ્ચતમ માનવામાં આવતી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં થી તેઓ ડબલ એન્જિનિયરિંગ કરીને સ્નાતક થયા, અને ગોલ્ડ મેડલિસ્ટ બન્યા. ૮મા ધોરણથી બી. ઈ. સુધી તેઓ શિષ્યવૃત્તિ મેળવતા રહ્યાં.
પોતાની કાર્ય કુશળતા થી તેમણે D.C.M માં Electrical Engineer, Chief Engineer અને Advisor, Engineering Services પદ પ્રાપ્ત કર્યુ હતુ. પ્રતિભા, નેતૃત્વ અને અધ્યવસાયે જ તેમને શિખર અભિયંતા બનાવ્યા. ધર્માનુરાગ, શ્રમનું મહત્વ અને સ્વાધ્યાયની ત્રિવેણી તેમના વ્યક્તિત્વ ના અભિન્ન અંગ હતા. વિનોદભાઇ દલાલ માત્ર કામમાં કુશળ ન હતા, પરંતુ મજૂરો અને કારીગરોના જીવનના ઉત્થાન માટે પણ હંમેશા આગળ રહેતા હતા.
અનેક મહાનુભાવો જેમ કે રાજેન્દ્ર પ્રસાદ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી વગેરે તેમના કાર્યકાળ દરમિયાન D.C.M ની આ વિચારધારા થી પ્રભાવિત થયા હતા. D.C.M ના સંસ્થાપક લાલા સર શ્રીરામ હંમેશાં તેમના આ ગુણોના પ્રશંસક હતા. D.C.M ની મિલો ઉપરાંત લેડી શ્રી રામ કોલેજ, શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ, સરદાર પટેલ વિદ્યાલય, સ્વતંત્ર ભારત મિલ વિદ્યાલય જેવા પ્રખ્યાત શિક્ષણ કેન્દ્રો સ્થાપવામાં પણ તેઓ ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.
તેઓ હંમેશાં કર્મ અને કાર્ય ક્ષેત્રના દૃષ્ટિકોણથી અભિયંતા રહ્યા હોવા છતાં, તેમને ધર્માનુરાગ તેમની આદરણીય માતા પાસેથી વારસામાં મળ્યો. શ્રી વિનોદભાઈ દલાલ ૧૯૫૨ માં હસ્તિનાપુર જૈન શ્વેતામ્બર તીર્થ પ્રબંધક સમિતિમાં જોડાયા. ૧૯૬૧ થી ૧૯૭૨ સુધી તેઓ સમિતિના અધ્યક્ષ રહ્યા. અંબાલા, જગાધરી, મુઝફ્ફરનગર, માલેરકોટલાના જૂના મંદિરો ના જીર્ણોદ્ધાર કર્યાં. ચંડીગઢ, આગરા અને મુરાદાબાદમાં નવા મંદિરોના નિર્માણ માટે પણ તેમને શ્રેય આપવામાં આવે છે. વર્ષો પૂર્વ શ્રી જિનવિજયજી મ.સા. એ શોધેલા કાંગડા મંદિર સ્થળ પર નવા મંદિર નિર્માણમાં તેમની નૈતિક અને આર્થિક સહાય, દૂરદર્શિતા અને માર્ગદર્શનને જૈન સમાજ ક્યારેય ભૂલી નહીં શકે. શ્રી સુપાર્શ્વનાથ જૈન મંદિર, અંબાલાના જીર્ણોદ્ધાર સમિતિના પ્રમુખ તરીકે, ૧૯૭૨ થી ૧૯૭૮ દરમિયાન તેમની સેવા અંતરાલ યાદગાર રહેશે. મુંબઇ, અમદાવાદ અને અન્ય સ્થળો ના ગુરુ ભક્તો તરફથી દાન સંગ્રહમાં તેમણે જે સખત મહેનત કરી તે ભૂલી શકાય તેમ નથી. જૈન સમાજના પ્રમુખ આણંદજી કલ્યાણજી પેઢી, (અમદાવાદ) ના આજીવન પ્રમુખ અને ભારત સરકાર દ્વારા નિયુક્ત અખિલ ભારતીય ભગવાન મહાવીર ૨૫૦૦ માં નિર્વાણ વર્ષ ઉજવણી સમિતિના પ્રમુખ, સ્વર્ગસ્થ શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઇ આ ગુણોના પ્રશંસક હતા. ઈન્દ્રનગર, લુધિયાણામાં નવનિર્મિત મંદિરનું નિર્માણ તેમની દેખરેખ હેઠળ કરાયું હતું. આ ઉપરાંત ઉત્તર ભારતના ઘણા જૈન મંદિરો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા કે આત્માનંદ જૈન કોલેજ (અંબાલા), ફરીદાબાદ જૈન મંદિર, બડોત જૈન મંદિર, મેરઠ જૈન મંદિર, અયોધ્યા અને રત્નપુરી મહાતીર્થ, હોશિયારપુર જૈન મંદિર, શાહદરા જૈન મંદિર, ગુડગાંવ જૈન મંદિર, મહાવીર સ્મારક (દિલ્હી) , જૈન દેરાસર ગુજરાત વિહાર (દિલ્હી), જૈન દેરાસર ગુજરાત એપાર્ટમેન્ટ્સ (દિલ્હી), જૈન મંદિર વલ્લભ વિહાર રોહિણી (દિલ્હી) અને વિજય વલ્લભ સ્મારક (દિલ્હી) ના નિર્માણ કાર્યનું નિરીક્ષણ અને નિર્દેશન નું શ્રેય પણ વિનોદભાઇ દલાલને જાય છે. તેઓ Bhogilal Leharchand Institute of Indology ના સંસ્થાપક પ્રમુખ પણ હતા. જૈન ભારતી મૃગાવતી વિદ્યાલય દિલ્હીની સ્થાપના પણ તેમનાં સુપ્રયત્નો ને કારણે શક્ય થઇ.
જૈન સમાજમાં તેમના યોગદાનને કહેવામાં આવે છે, કે તેઓ કોઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા. જૈન સમાજ વિનોદભાઈ ને શિખર પુરુષ ના રૂપ માં જોતો હતો. તેમના જીવનકાળ દરમિયાન તેઓ જૈન સમાજની વિવિધ સંસ્થાઓ અને ભારત સરકાર દ્વારા વિવિધ સન્માન અને પુરસ્કારોથી પુરુસ્કૃત કરવામાં આવ્યા.
શ્રી વિનોદભાઇ દલાલ ની કાર્યક્ષમતા અને કર્તવ્ય નિષ્ઠા સાથે, ગુરુભક્તિ પણ નોંધપાત્ર છે. તેઓ યુગપુરુષ પંજાબ કેસરી શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ, આચાર્ય વિજય સમુદ્ર સૂરીશ્વરજી મહારાજ, વિજય ઇન્દ્રદિન્ન સૂરીશ્વરજી મહારાજ, વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ, આચાર્ય પદ્મસાગરજી મહારાજ જેવા ગચ્છાધિપતિયો ના વિશેષ કૃપા-પાત્ર અને વિશ્વાસપાત્ર હતા. તેઓ જૈન શિરોમણી આચાર્ય વસંત સૂરીજી મહારાજ, સાધ્વી શ્રી મૃગાવતી શ્રી જી જેવા ઘણા ગુરુઓના સાનિધ્ય માં રહ્યા. તેમ ના સરળ અને કર્તવ્ય નિષ્ઠ સ્વભાવ ના લીધે તે બધા ના પ્રિય હતા. તેમની વિનંતી પર, ઘણા ગચ્છાધિપતિ અને ગુરુઓએ દિલ્હીમાં તેમના પંજાબી બાગ નિવાસ સ્થાને પ્રવેશ કર્યો અને તેને પવિત્ર બનાવ્યો.
શ્રી વિનોદભાઈ દલાલ નું આધ્યાત્મિક જીવન ૩૨ વર્ષની વયે હસ્તિનાપુરની પવિત્ર ભૂમિથી શરૂ થયું. તેઓ ૧૯૫૨ માં હસ્તિનાપુર જૈન શ્વેતામ્બર તીર્થ પ્રબંધક સમિતિમાં જોડાયા. અહીંથી દિશા પ્રાપ્ત કર્યા પછી, તે જૈન ગુરુઓ ના સાનિધ્ય માં આવ્યા અને જૈન મંદિરોના જીર્ણોદ્ધાર ના કાર્યમાં અગ્રેસર બન્યા. તેઓ ૧૯૬૧ થી ૧૯૭૨ (વિક્રમ સંવત ૨૦૧૮–૨૦૨૮) દરમિયાન હસ્તિનાપુર જૈન શ્વેતામ્બર તીર્થ પ્રબંધક સમિતિના અધ્યક્ષ હતા. તે પછી તેમણે અંતિમ સમય સુધી શ્રી હસ્તિનાપુર જૈન શ્વેતામ્બર તીર્થ સમિતિ ના નિર્માણ સમિતિનું સતત અધ્યક્ષ પદ સંભાળ્યું. શ્રી વિનોદભાઇ દલાલ ના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ, હસ્તિનાપુર તીર્થ માં શ્રી શાંતિનાથ ભગવાન દેરાસર, ભોજનશાળા, ઋષભદેવ ભગવાન ના પારણા અને કલ્યાણક મંદિર, શેઠ શ્રી સુરજમલ નગીનદાસ ઝવેરી ધર્મશાળા, શ્રી ધરમચંદ કંચનકુમારી જૈન ઉપાસના ભવન, સંઘવી શ્રી કેશરીમલજી ગાદિયા ધર્મશાળા, શ્રીમતી મોહન દેઇ ઓસવાલ જૈન પારણા ભવન, નિશિયાં જી અને શ્રી ઋષભદેવ ભગવાનની નિર્વાણ ભૂમિ અષ્ટાપદ જેવા અનેક નવા નિર્માણ થયા.
કોઈપણ મહાન કાર્યના સફળ નેતૃત્વ માટે સમાન વિચારધારા અને નિશ્ચય ધરાવતા સહયોગીનું હોવું ખૂબ મહત્વનું છે. વિનોદભાઈ ની આ આધ્યાત્મિક યાત્રામાં એવા જ એક સહયોગી બન્યા શ્રી નિર્મલકુમાર જૈન. આજે હસ્તિનાપુર તીર્થ ની ખ્યાતિ ની સાથે સાથે અહીંના અષ્ટાપદ મંદિર અને અન્ય મંદિરોના નિર્માણ થી લાંબા સમય નું જે સ્વપ્ન સાકાર થયું છે, એમાં ખાસ કરીને આ બંને તીર્થ પ્રેમિયો શ્રી વિનોદભાઇ દલાલ (અધ્યક્ષ નિર્માણ સમિતિ) અને શ્રી નિર્મલકુમાર જૈન (મહામંત્રી) ના સર્વસ્વ સમર્પણ નો ઇતિહાસ છુપાયેલો છે, જેનું વર્ણન કરી શકાતું નથી. નિર્મલકુમાર જી વિનોદભાઈને પોતાના મોટા ભાઈની જેમ માન અને સન્માન આપે છે. અમારી શાસન દેવને એજ પ્રાર્થના છે કે, નિર્મલ જી યશ, ધર્માનુરાગ, ગુરુભક્તિ, શિક્ષાપ્રેમ, સમૃધ્ધિની સાથે સાથે આરોગ્ય અને દીર્ઘ આયુષ્ય પામે .
શ્રી વિનોદભાઇ ના આધ્યાત્મિક જીવનની શરૂઆત, વિસ્તરણ અને અંત હસ્તિનાપુર ની ભૂમિ પર થશે, એ જ ભાગ્ય હતું. તેઓ ૧૯૫૨ થી હસ્તિનાપુર તીર્થ સાથે જોડાયા અને અષ્ટાપદ મંદિરના ભવ્ય બાંધકામના તમામ કામો પૂર્ણ કર્યા પછી ૨૦૦૯ માં તેમનું અવસાન થયું. ૫૮ વર્ષની આ આધ્યાત્મિક યાત્રામાં, તેમની ધર્મપત્ની શ્રીમતી ચંપાબેને તેમના દરેક કાર્ય માં સંપૂર્ણ સાથ આપ્યો. જ્યાં વિનોદભાઇ ને હસ્તિનાપુર સમિતિના તમામ કર્મચારી અને સહયોગીઓ માટે પરિવાર સમાન સ્નેહ હતો; તેવી જ રીતે, ચંપાબેન તેમ ની હિંમત, શિસ્ત અને પ્રેમ દ્વારા માતાની છબિ ધરાવતા હતા. આ બંને મહાન આત્માઓ જાણે કે હસ્તિનાપુર તીર્થ ની સેવા માટે જ પૃથ્વી પર અવતરિત થઇ હતી. ૨૦૦૯ માં અષ્ટાપદનું નિર્માણ પૂર્ણ થતાં જ , આ બંને સંત આત્માઓ બે મહિનાના અંતર માં જ આ દુનિયા છોડી ગયા.
ચંપાબેન ૨૨-૩-૨૦૦૯ અને વિનોદભાઈ ૨૬-૫-૨૦૦૯ માં દેહનો ત્યાગ કરી પ્રભુ શરણમાં ગયા.
જૈન સમાજે વ્યક્ત કર્યું કે "ઉત્તર ભારતમાં તમામ પ્રાચીન જૈન મંદિરો ના જીર્ણોદ્ધાર માં વિનોદભાઇ દલાલની અનન્ય ભૂમિકા અને માર્ગદર્શનને ભૂલી શકવું અશક્ય છે." જૈન સમાજ તેમની ઉપસ્થિતિ માં હંમેશા ગર્વ અનુભવ કરતો હતો. એમના જેવા મહાન પુરુષ ને જોઇને જ્યાં ગીતા ની "શરીરમાધ્ય્મ ખલુ ધર્મસાધનમ" ની પંક્તિ યાદ આવે છે, ત્યાં Bishop’s Candlesticks ની શાશ્વત પંક્તિયો સાકાર થતી લાગે છે - This poor body is the living temple of God. તે કોંક્રિટના જંગલથી દૂર, સાચા, જીવંત અને સુંદર મંદિર જેવા શરીર ના સ્વામી હતા.