હસ્તિનાપુર નો ઇતિહાસ

અકર્મ ભૂમિના અંતમાં, પિતા નાભી અને માતા મરુદેવીના પુત્ર શ્રી ઋષભદેવ આર્યાવર્ત ના પ્રથમ રાજા બન્યા. તેમણે અયોધ્યાને પોતાની રાજધાની બનાવીને વિશ્વમાં સામાજિક વ્યવસ્થા અને રાજકીય વ્યવસ્થાને જન્મ આપ્યો. તેમણે અસિ – મસિ - કૃષિ, શિલ્પ અને કળા શીખવીને માનવ સંસ્કૃતિની શરૂઆત કરી. ભગવાન ઋષભદેવ ને ૨ પત્નીઓ, ૧૦૦ પુત્રો અને ૨ પુત્રીઓ હતી. રાજ્યની વ્યવસ્થાને સુવ્યવસ્થિત રાખવા માટે, તેમણે આર્યાવર્ત નાં ૧૦૦ વિભાગ બનાવ્યા અને પોતાના બધા પુત્રોને એક-એક વિભાગના રાજ્યાધિકારી બનાવ્યા. સૌથી મોટા પુત્ર ભરતને અયોધ્યાનું રાજ્ય, નાના પુત્ર બાહુબલી ને તક્ષશિલા અને કુરુ ને કુરુક્ષેત્રનું રાજ્ય આપવામાં આવ્યું હતું અને તેમણે જાતે વિશ્વના આધ્યાત્મિક કલ્યાણ અને ધર્મ ના પ્રચાર માટે રાજપાટ, કુટુંબ વગેરેનો ત્યાગ કર્યા પછી નિર્ગ્રંથ દીક્ષા લીધી હતી.

તેમના ૧૦૦ પુત્રોમાંથી ૯૮ પુત્રોએ પણ દીક્ષા લીધી. ચક્રવર્તીનું પદ મેળવવા ભરતે પોતાના નાના ભાઈ બાહુબલી સાથે યુદ્ધ કર્યું, પરંતુ તે બાહુબલીને હરાવી શક્યા નહીં, પછી બાહુબલીએ પોતાના મોટા ભાઇ ભરતને પિતા તરીકે ગણીને સ્વેચ્છાએ પોતાનું રાજ્ય આપ્યું અને પોતે દીક્ષા લીધી. ત્યારબાદ ચક્રવર્તી ભરતે બાહુબલીના પુત્ર સોમપ્રભને બાહુબલીના રાજ્યનો અધિકારી બનાવ્યો અને તેમનો રાજ્યાભિષેક કર્યો.

ભગવાન શ્રી ઋષભદેવે દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓ ધરતી ને પાવન કરતા વિચરણ કરવા લાગ્યા. આ સમયગાળા દરમિયાન, પ્રથમ મુનિ વિહાર શરૂ થયો. આ કારણોસર, તેમને અંતિમ મનુ, આદિ રાજા, આદિ નાથ, આદિ માનવ, આદિ દેવ કહેવામાં આવે છે.

પ્રભુ શ્રી ઋષભદેવે છઠ ની તપસ્યા સાથે દીક્ષા લીધી અને પહેલુ પારણું કરવા માટે નીકળ્યા. પરંતુ તેમને જૈન મુનિને લાયક કોઈ ગોચરી મળી નહોતી કારણ કે તે સમયે લોકોને મુનિને આહાર આપવાની રીત ખબર નહોતી. આ પહેલા તેમણે ક્યારેય કોઈ સાધુને જોયા ન હતા. દીક્ષા લીધા પછી ૪૦૦ દિવસ સુધી પ્રભુ ઉપવાસ માં રહ્યા, એટલે કે તે નિર્જળ ઉપવાસમાં હતા. આ રીતે, ભગવાન આર્ય-અનાર્ય ઘણા દેશોમાં પ્રવાસ કરતા કરતા વૈશાખ સુદ ત્રીજ (તૃતીયા) ના દિવસે હસ્તિનાપુર પહોંચ્યા હતા.

તે સમયે તેમના બીજા પુત્ર બાહુબલીના પુત્ર સોમપ્રભ - સોમયશા રાજાનું અહીં શાસન હતુ. તેમના પુત્ર શ્રેયાંસકુમારે વૈશાખ સુદ ત્રીજના દિવસે ભગવાનને શેરડી ના રસ થી પારણું કરાવ્યું. તે સમયથી, આ શુભ દિવસ અક્ષય તૃતીયા અથવા અખાત્રીજના નામે પ્રસિદ્ધ થયો. જૈન આગમ અનુસાર, આ અવસર્પિણી કાળમાં, પ્રથમ સુપાત્રદાનની શરૂઆત રાજકુમાર શ્રેયાંસકુમાર દ્વારા કરવામાં આવી હતી.

અહીં ની ધન્ય ભૂમિ પર ૧૬ માં તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન, ૧૭ માં તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાન અને ૧૮ માં તીર્થંકર શ્રી અરનાથ ભગવંતોના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ કુલ ૧૨ કલ્યાણકો થયા. અહીં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, ચતુર્વિધ શ્રી સંઘ અને ગણધરોની સ્થાપના કરીને તેમણે દ્વાદશાંગીની રચના સ્થાપી. છ ચક્રવર્તીઓ અને શિવરાજર્ષિ જેવા સામાન્ય કેવળી, કૌરવો-પાંડવો (મહાભારત કાળ), પરશુરામ વગેરે જેવા ઘણા ઋષિયો અને મહાઋષિયો ના - જન્મ, ક્રીડા, દીક્ષા, સાધના, ઉપાસના, તપસ્યા અને કેવળજ્ઞાન ની પ્રાપ્તિ નું સૌભાગ્ય આ ભૂમિ ને ઉપલબ્ધ છે.

૧૯ માં તીર્થંકર શ્રી મલ્લિનાથજી ના સમવશરણ અને ૨૦ માં તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીજી, ૨૩ માં તીર્થંકર શ્રી પાર્શ્વનાથજી અને ૨૪ માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીજી ના વિહાર નું સૌભાગ્ય આ ભૂમિ ને જ મળ્યુ છે. ૨૨ માં તીર્થંકર શ્રી અરિષ્ટનેમિના જીવે ત્રણ ભવ પહેલા આ સ્થળે દીક્ષા લીધી હતી અને વીસ સ્થાનક તપ ની ઉત્કૃષ્ટ આરાધના કરી તીર્થંકર નામ કર્મ નો નિકાચિત બંધ કર્યો હતો .

અરિહંત દેવ

Ref: http://www.jainsamaj.org