અષ્ટાપદ તીર્થ

શ્રી શત્રુંજય મહાતમ્ય ના આદિ શાસ્ત્રોમાં મળેલા વર્ણન મુજબ, જ્યારે ભગવાન ઋષભદેવ ૧ પૂર્વ-દીક્ષાના પર્યાયનો સમય પસાર કરી ચૂક્યા હતા, ત્યારે તેઓ ૧૦૦૦ મુનિઓ સાથે અષ્ટાપદ પર્વત પર ગયા હતા. ત્યાં ૬ દિવસ ઉપવાસ કર્યા બાદ તેમણે મહા વદ તેરસના દિવસે નિર્વાણ મેળવ્યું. ચક્રવર્તી મહારાજ ભરતે પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવજી ના દેહના અગ્નિ સંસ્કાર ના સ્થળે વર્ધકી રત્ન દ્વારા “સિંહનિષધા" નામનો મણીમય ભવ્ય જિન મહાપ્રાસાદ બનાવડાવ્યો હતો. આ સિંહનિષધા ત્રણ કોસ ઉચો અને એક યોજન વિશાળ હતો, જાણે મોક્ષ મંદિરની વેદિકા હોય. એની ચારે બાજુ પ્રભુ ના સમવશરણ ની જેમ, સ્ફટિક રત્નોના ચાર સુંદર દરવાજા બનાવવામાં આવ્યા હતા. આ જિનપ્રાસાદ માં સુવર્ણ મંડપ અને એની અંદર પીઠીકા, દેવચ્છન્દિકા અને વેદિકા બનાવવામાં આવી હતી. પીઠીકા માં કમલાસન પર આસીન આઠ પ્રતિહાર્ય સહિત અરિહંત ભગવાન ની રત્નમય, શાશ્વત ચાર પ્રતિમાઓ તથા દેવચ્છન્દ શરીર લાંછનયુક્ત વર્ણવાળી ચોવીસ તીર્થંકરોની મૂર્તિઓ મણીઓ તથા રત્નો ની બનેલી વિરાજમાન કરી. આ મૂર્તિઓ ઉપર ત્રણ-ત્રણ છત્ર, બન્ને બાજુ બે-બે ચાંવર, આરાધક યક્ષ, કિન્નર અને ધ્વજ સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ ચૈત્ય માં મહારાજા ભરતે પોતાના પૂર્વજો, ભાઈઓ, બહેનો અને વિનમ્ર ભાવથી ભક્તિ બતાવતી પોતાની મૂર્તિ પણ બનાવડાવી. આ મંદિર ની ચારે બાજુ ચૈત્યવૃક્ષ, કલ્પવૃક્ષ, તળાવ, કૂવો, વાવ અને મઠ બનાવ્યા. આ ચૈત્ય ની બહાર મણીરત્ન નો ભગવાન આદિનાથજી નો ઉચો સ્તૂપ, અને આ સ્તૂપની સામે બીજા ભાઈઓ ના પણ સ્તૂપ બનાવવામાં આવ્યા હતા અને અભેદ્ય લોહ પુરુષો અને અધિષ્ઠાયક દેવની સ્થાપના કરવામાં આવી હતી.

મહારાજા ભરતે વિશ્વના આ પ્રથમ જીનાલય માં ભગવાન શ્રી આદિનાથ અને બાકીના ૨૩ તીર્થંકરોની પ્રતિષ્ઠા કર્યા પછી શ્રદ્ધાપૂર્વક આરાધના, અર્ચના અને વંદના કરી અનંત સુખ પ્રાપ્ત કર્યું.

આ રત્નમય પ્રાસાદ ને ક્રૂર જીવો અને મનુષ્ય દ્વારા થતી આશાતના થી બચાવવા માટે, મહારાજા ભરતે પોતાના દંડરત્ન દ્વારા એક-એક યોજન ના અંતરે આ પર્વતને આઠ ભાગમાં વિખંડિત કર્યો. જેના કારણે આ પ્રથમ ધર્મસ્થાન "અષ્ટાપદ" તરીકે પ્રખ્યાત થયું. ભરત મહારાજે પણ અનિત્ય ભાવના નું ચિંતન કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે અષ્ટાપદ પર જ મોક્ષનું પદ પ્રાપ્ત કર્યું. કાલ ક્રમમાં સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોએ પણ આ તીર્થસ્થાનની રક્ષા માટે બલિદાન આપ્યું હતું. લંકાપતિ રાવણે વીણા વગાડતા વગાડતા ઉત્કૃષ્ટ ભક્તિ ભાવ થી અહીં તીર્થંકર નામ કર્મ બાંધ્યું. ભગવાન શ્રી મહાવીર સ્વામીના શ્રીમુખેથી આ મંદિરની અચિંત્ય મહિમા સાંભળ્યા પછી, અનંત લબ્ધિનિધાન ગુરુ ગૌતમ સ્વામીએ સૂર્યની કિરણ પકડી આ અષ્ટાપદ ની યાત્રા કરી અને શ્રી જગચિંતામણી ચૈત્યવંદનની રચના કરી. આ અષ્ટાપદ તીર્થ ની યાત્રા માટેના સાધનારત ૧૫૦૩ તાપસો ને શ્રી ગૌતમ સ્વામી એ પ્રતિબોધિત કર્યા અને દિક્ષા આપી હતી. સમય જતાં, આ બધું લુપ્ત થઈ ગયું. શાસ્ત્રોમાં ઉલ્લેખિત એવા મહામહિમાવંત શ્રી અષ્ટાપદ તીર્થની રચના શ્રી હસ્તિનાપુરની ધન્ય ભૂમિ પર આકાર પામી છે.

img

શાસ્ત્રો અનુસાર અષ્ટાપદ તીર્થ - આઠ પદનો પર્વત
અને અરિહંત ભગવંતોની સ્થાપના

Ref: https://jainuniversity.org
img

ગુરુ ગૌતમ એ સૂર્યની કિરણ પકડીને સ્વલબ્ધિ થી અષ્ટાપદ
તીર્થની યાત્રા કરી - ૧૫૦૩ તાપસ ને પ્રતિબોધિત કર્યા અને દિક્ષા આપી.

Ref: https://www.facebook.com

અષ્ટાપદ તીર્થ નિર્માણ - એક અભિનવ યોજના

શ્રી આત્મ-વલ્લભ-સમુદ્ર સૂરીશ્વરજી મ. સા. ના પટ્ટ પરંપરા ના પરમ પૂજ્ય જૈન દિવાકર ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન્ન સૂરીશ્વરજી મહારાજે વિલુપ્ત "અષ્ટાપદ" ને મૂર્તિમંત બનાવવા માટે આ ભૂમિના પ્રથમ ધર્મસ્થાન શ્રી હસ્તિનાપુરજી ની પવિત્રતા અને એતિહાસિકતાને ધ્યાનમાં રાખીને અષ્ટાપદ ના નિર્માણ માટે તીર્થ સમિતિને પ્રેરણા આપી હતી. શ્રી વિનોદભાઇ એન. દલાલ (અધ્યક્ષ નિર્માણ સમિતિ), શ્રી જે.એસ. ઝવેરી (પ્રધાન), શ્રી નિર્મલકુમાર જૈન (મહામંત્રી) અને તમામ પ્રબન્ધક સમિતિ એ આ વિશાળ કાર્ય કરવા નો સંકલ્પ કર્યો.

આ સમગ્ર યોજના અમદાવાદ ની પ્રખ્યાત જૈન શ્વેતામ્બર પેઢી શેઠ શ્રી આણંદજી કલ્યાણજી ના મુખ્ય શિલ્પી શ્રી અમૃતલાલ મૂળશંકર ત્રિવેદી અને શ્રી ચંદુભાઇ ત્રિવેદી, (અમદાવાદ) દ્વારા તૈયાર કરવામાં આવી.

નિર્માણ સમિતિના અધ્યક્ષ શ્રી વિનોદભાઇ એન. દલાલ, મહામંત્રી શ્રી નિર્મલકુમાર જૈન અને મેનેજર શ્રી તેજપાલ સિંહ એ અષ્ટાપદ યોજનાનો સંપૂર્ણ નકશો તૈયાર કર્યો અને ત્રણ વર્ષ સુધી આખા ભારતમાં ભ્રમણ કરી બધા મૂર્તિપૂજક જૈન આચાર્યો પાસે થી , લિખિત આશીર્વચન અને વાસક્ષેપ પ્રાપ્ત કર્યા. બધા આચાર્યો ના લિખિત આશીર્વચન ને પુસ્તક રૂપમાં પ્રકાશિત કર્યા છે.

શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન્ન સૂરીશ્વરજી
મહારાજ

Ref: https://www.facebook.com

વિનોદભાઇ દલાલ અષ્ટાપદ
ની પ્રતિકૃતિ સાથે

અભિનવ તીર્થ શ્રી અષ્ટાપદજી નું ભૂમિપૂજન

આત્મ-વલ્લભ-સમુદ્ર પટ્ટ પરંપરાના પરમ પૂજય આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં, બાર વ્રતધારી વયોવૃદ્ધ, પરમ ગુરુ ભક્ત, સુશ્રાવક, દાનવીર, લાલા ખૈરાયતી લાલજી જૈન, માલિક ફર્મ-એન. કે ઇન્ડિયા રબર ક. લિ. અને કોસ્કો ઇન્ડિયા લિ. (દિલ્હી) ના હસ્તે તા. ૩૧-૦૧-૧૯૯૬ ના રોજ ખૂબ ધૂમધામ થી અને હર્ષોઉલ્લાસ સાથે ભૂમિપૂજન પૂર્ણ થયું. જેનો શિલાન્યાસ શ્રી આત્મ-વલ્લભ-સમુદ્ર પટ્ટ પરંપરાના શ્રી આચાર્ય સર્વધર્મ સમન્વયી શ્રીમદ્ વિજય જનકચંદ્ર સૂરીશ્વરજી મ. સા. તથા આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મ. સા. દ્વારા તા. ૨૨-૦૪-૧૯૯૬ ના રોજ સંપન્ન થયો. બધા આચાર્ય ભગવંતો થી પ્રાપ્ત કરેલો વાસક્ષેપ અષ્ટાપદના શિલાન્યાસના સમયે પાયામાં મૂકવામાં આવ્યો, જેની કૃપાથી આખું મંદિર નિર્વિઘ્ન રીતે તૈયાર થયું.

વિનોદભાઇ અને ચંપાબેન દલાલ અષ્ટાપદ
મંદિરની મુખ્ય શિલા નું પૂજન કરતા

અષ્ટાપદ મંદિરનો શિલાન્યાસ કરતી વખતે શેઠ શ્રી શ્રેણિકભાઇ
કસ્તુરભાઇ, વિનોદભાઇ અને અન્ય ટ્રસ્ટીઓ

શાસ્ત્ર પ્રમાણે તીર્થ સાકાર

૧૬૦ ફૂટ વ્યાસ અને ૧૦૮ ફૂટ ઉચાઈ ધરાવતા, આઠ પદ વાળો અષ્ટાપદ પર્વત બનાવવામાં આવ્યો છે. જૈન શિલ્પકળા અનુસાર પર્વત પર એક ભવ્ય સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. તેના ધ્વજ સાથે મંદિરની કુલ ઉચાઇ ૧૫૧ ફૂટ છે. આ મંદિરમાં ચારે દિશાઓ માં ક્રમશ: ૨,૪,૮ અને ૧૦ જીનબિમ્બ એટલે કે ૨૪ ભગવાનને વિરાજમાન કરવામાં આવ્યા છે. આખું મંદિર આરસ માં બનાવવામાં આવ્યું છે. જે શિલ્પકળા ની દ્રષ્ટિએ વિશ્વમાં અલૌકિક અને અનોખું છે.

મંદિરના નીચલા ભાગમાં (સમવશરણમાં) ભગવાન ઋષભદેવ ની ચાર મૂર્તિઓ (ચૌમુખી) ની સ્થાપના કરવામાં આવી છે. સમવશરણ માં જ શ્રી ઋષભદેવ ભગવાનનો સંપૂર્ણ પરિવાર જેમાં તેમના માતા-પિતા, બે પત્નીઓ, બંને પુત્રીઓ અને ૯૯ પુત્ર સાથે ભરત ચક્રવર્તીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. પર્વતની બહાર ૫૦૧, ૫૦૧, અને ૫૦૧ તાપસ એટલે કે, કુલ ૧૫૦૩ તાપસ ની મૂર્તિઓ પણ બીજા, ત્રીજા અને ચોથા પદ પર સ્થાપિત કરવામાં આવી છે.

શ્રી વિનોદભાઇ એન. દલાલ (નિર્માણ સમિતિના અધ્યક્ષ), શ્રી નિર્મલકુમાર જૈન (મહામંત્રી) અને અન્ય ટ્રસ્ટીઓના સહયોગથી ભારત ની પ્રમુખ પેઢિયો શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી - શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ (અમદાવાદ), શેઠ જીવણદાસ ગોડીદાસ શંખેશ્વર પાર્શ્વનાથ જી દેરાસર ટ્રસ્ટ - શેઠ શ્રી અરવિંદભાઈ પન્નાલાલ (અમદાવાદ), શેઠ ધર્મચંદ દયાચંદ જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘ સાદડી (રાણકપુર), સંઘવી શ્રી રૂગનાથમલજી સમરથમલજી ભંવરલાલજી દિનેશકુમારજી દોશી પરિવાર, (દિલ્હી), શ્રી દીપચંદ ભાઈ એસ. ગાર્ડી (મુંબઇ), શ્રી નરપતરાય ખૈરાયતીલાલ જૈન (દિલ્હી), શ્રી ભોગીલાલ લહેરચંદ મુંબઈ, શ્રી શાંતિચંદ બાલુભાઇ ઝવેરી (મુંબઈ), શ્રી જે.એસ. ઝવેરી (દિલ્હી), શ્રી સાયરચંદજી નાહર (ચેન્નઇ), શ્રી સંભવનાથ જૈન દેરાસર પેઢી બોરીવલી, (મુંબઇ), શ્રી ગોડી પાર્શ્વનાથજી મંદિર ટ્રસ્ટ, (પૂના), શ્રી મંડાર જૈન સંઘ (દિલ્હી), શ્રી ધનરાજજી રાજાજી ચૌહાણ પરિવાર (દિલ્હી), શ્રીમતી ચંદ્રાવતી બાલુભાઈ ખીમચંદ રીલીજીયસ ટ્રસ્ટ (મલાડ) મુંબઇ, બાબુ અમીચંદ પન્નાલાલ આદિશ્વર જૈન મંદિર ટ્રસ્ટ, માલાબાર હિલ (મુંબઇ) વગેરે ટ્રસ્ટ અને સંસ્થાઓ થી અષ્ટાપદ માટે વિપુલ સહયોગ પ્રાપ્ત થયો.

અષ્ટાપદ તીર્થ પ્રતિષ્ઠા મહોત્સવ

અષ્ટાપદ મંદિર ની પાવન પ્રતિષ્ઠા માગસર સુદ પુનમ, બુધવારે, ૦૨-૧૨-૨૦૦૯ ના દિવસે શ્રી આત્મ-વલ્લભ-સમુદ્ર-ઇન્દ્ર-દિન્ન-સૂરીશ્વરજી મ.સા. ના ક્રમ્રિક પટ્ટધર, કલ્યાણક તીર્થોદ્ધારક, શાંતિદૂત, ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મ.સા., સાહિત્ય મનીષી આચાર્ય શ્રીમદ્ વિજય વીરેન્દ્ર સૂરીશ્વરજી મ. સા., તપ ચક્રવર્તી આચાર્ય શ્રીમદ્ વિજય વસંત સૂરીશ્વરજી મ.સા. જ્ઞાન પ્રભાકર આચાર્ય શ્રીમદ્ વિજય જયાનંદ સૂરીશ્વરજી મ.સા. અને અન્ય સાધુ સાધ્વિ જી મ.સા. ની પાવન નિશ્રા અને વિશાળ જનસમૂહ ના વચ્ચે સંપન્ન થઇ.