અક્ષય તૃતીયા મહાપર્વ

પ્રભુ શ્રી ઋષભદેવે છઠ ની તપસ્યા સાથે દીક્ષા લીધી અને પહેલુ પારણું કરવા માટે નીકળ્યા. પરંતુ તેમને જૈન મુનિને લાયક કોઈ ગોચરી મળી નહોતી કારણ કે તે સમયે લોકોને મુનિને આહાર આપવાની રીત ખબર નહોતી. આ પહેલા તેમણે ક્યારેય કોઈ સાધુને જોયા ન હતા. દીક્ષા લીધા પછી ૪૦૦ દિવસ સુધી પ્રભુ ઉપવાસ માં રહ્યા, એટલે કે તે નિર્જળ ઉપવાસમાં હતા. આ રીતે, ભગવાન આર્ય-અનાર્ય ઘણા દેશોમાં પ્રવાસ કરતા કરતા વૈશાખ સુદ ત્રીજ (તૃતીયા) ના દિવસે હસ્તિનાપુર પહોંચ્યા હતા.

તે સમયે તેમના બીજા પુત્ર બાહુબલીના પુત્ર સોમપ્રભ - સોમયશા રાજાનું અહીં શાસન હતુ. તેમના પુત્ર શ્રેયાંસકુમાર તે રાજ્યના ઉત્તરાધિકારી રાજકુમાર હતા. એક રાત્રે રાજકુમાર શ્રેયાંસકુમારે સ્વપ્ન જોયું કે - 'કાળા મેરુને ચારે બાજુથી દૂધના ઘડા થી સ્નાન કરાવ્યા પછી, મેં તેની કાલિમા ને ધોઈ તેને સાફ અને ઉજ્વળ બનાવ્યો”. એજ રાત્રે, રાજા સોમપ્રભએ સ્વપ્ન જોયું કે – “એક રાજા ઘણા દુશ્મન રાજાઓથી ઘેરાયેલો છે અને મારા પુત્ર શ્રેયાંસકુમારે આ દુશ્મન રાજાઓને હરાવીને તેમને વિજય અપાવ્યો છે”.

અહીં ના સુબુદ્ધિ નામના શેઠ ને સ્વપ્ન આવ્યું કે – “સૂર્યથી હજાર કિરણો જુદી પડી ગઈ છે. શ્રેયાંસકુમારે ફરીથી તે કિરણોને સૂર્યમાં જોડી દીધી છે જેને કારણે સૂર્ય વધુ પ્રકાશમય બન્યો છે.” સવારે ત્રણેય જાગી ગયા અને પોતાના સ્વપ્ન ના ફળ વિશે વિચારવા લાગ્યા. અંતે આ ત્રણેય રાજ્યસભામાં આવ્યા અને એક બીજાને પોતાના સ્વપ્ન સંભળાવ્યા. ઘણો વિચાર કર્યા પછી પણ તે આ સ્વપ્ન ના ફળનો નિર્ણય કરી શક્યા નહીં. અંતે, તેઓ આ નિર્ણય પર પહોચ્યા કે રાજકુમાર શ્રેયાંસકુમાર ને આપણાં બધાંનાં સ્વપ્નોનાં શુભ પરિણામ પ્રાપ્ત થશે. એવું લાગે છે કે શ્રેયાંસકુમાર કોઈ મહાન પુરુષ ને મુશ્કેલીમાંથી મુકત કરશે. આ નિર્ણય લીધા પછી, ત્રણેય પોતપોતાના સ્થળોએ ચાલ્યા ગયા.

રાજકુમાર પોતાના મહેલમાં બેઠા હતા, ત્યારે તેમણે કંઈક કોલાહલ સાંભળ્યો. લોકો જોર થી બોલી રહ્યા હતા 'ભગવાન કંઈ લેતા નથી. ભગવાન કંઈ લેતા નથી.' રાજકુમારે સેવકો ને પૂછ્યું કે આજે નગર માં કોલાહલ કેમ છે? તેનો જવાબ એ મળ્યો કે આજે પ્રભુ ઋષભદેવ હસ્તિનાપુર માં પધારેલ છે. તેઓ કંઈ ખાતા નથી, પીતા નથી, બોલતા નથી, અને આંખ ઉચી કરીને જોતા નથી. પોતાના પરદાદા (પ્રપિતામહ) ના આગમનના સમાચાર સાંભળીને, તેમના હર્ષ નો પાર ન રહ્યો . તેઓ તરત જ પ્રભુને જોવા માટે ખૂબ ઉત્સુકતાથી ઉભા થયા. તે સમયે જ ભગવાન તેમના મહેલની નજીક આવી પહોચ્યા. ભગવાનને જોઇને તે ઉઘાડા પગે નીચે દોડી આવ્યા અને પ્રભુના ચરણોમાં પડી નમસ્કાર કર્યો. ભગવાન ના દર્શન થતા ની સાથે જ તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાન થી તેમણે મુનિ ને આહાર આપવાની વિધિ જાણી.

તે સમયે કોઈએ શેરડીના રસ થી ભરેલા ઘડા લાવીને શ્રેયાંસકુમાર ને ભેટ કર્યા. આ શેરડી નો રસ શુદ્ધ અને વોહરાવા યોગ્ય છે, તે જાણીને રાજકુમારે નમ્રતાથી ભગવાનને પ્રાર્થના કરી - 'હે ભગવાન! આ શેરડીનો રસ શુદ્ધ અને વોહરવા લાયક છે, તેથી તેને ગ્રહણ કરો. પ્રભુએ પણ તે વોહર્યું અને તપ ના પારણા કર્યા. શ્રેયાંસકુમારે વૈશાખ સુદ ત્રીજના દિવસે ભગવાનને શેરડી ના રસ થી પારણું કરાવ્યું. તે જ સમયે, આકાશમાંથી દેવો દ્વારા રત્નો ની વર્ષા થવા લાગી, ફૂલો વરસવા લાગ્યાં, દેવદુન્દુભી રણકવા લાગી, “અહોદાનમ-અહોદાનમ” શબ્દો ગૂંજવા લાગ્યાં, ઠંડી સુગંધિત હવા વહેવા લાગી. આ પાંચ કાર્યો હંમેશા તીર્થંકરના આહાર દરમિયાન થાય છે. શાસ્ત્રકારો એ આને પાંચ આશ્ચર્ય કહ્યા છે. તે સમયથી, આ શુભ દિવસ અક્ષય તૃતીયા અથવા અખાત્રીજના નામે પ્રસિદ્ધ થયો.

ભગવાન શ્રી ઋષભદેવ ના વર્ષીતપ મુજબ, વર્ષીતપ કરનાર મહાનુભાવ તે પછી સાધુ હોય કે સાધ્વી, શ્રાવક હોય કે શ્રાવિકા, ભારતના દરેક ખૂણેથી હસ્તિનાપુર આવી ને અક્ષય તૃતીયા ના દિવસે પારણા કરે છે. અને આજે પણ એ જ રીતે અહી આવીને ઋષભદેવ પ્રભુ ના પારણા ધામ પર તેમના સ્થાપિત ચરણ તથા સ્તૂપ ની છત્રછાયા માં પારણું કરી પોતાને ધન્ય માને છે.

શ્રી હસ્તિનાપુર તીર્થ માં અક્ષય તૃતીયા ઉત્સવ શ્રી વિનોદભાઈ દલાલ પરિવાર દ્વારા સંપન્ન (તા. ૨૬-૦૪-૨૦૨૦)